હેકટરે ૮ થી ૧૦ ટન છાણીયું ખાતર નાખવું, દાંતી, રાંપ અને સમારથી જમીન તૈયાર કરવી. ઘેડ અને ભાલ જેવા વિસ્તારમાં જયાં ચોમાસાનું પાણી ભરાય જાય છે, ત્યાં પાણી સૂકાતાં તરત જ વાવણી કરવી.
બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી.ના અંતરે બિનપિયત દેશી ચણા હેકટરે ૬૦ કિ.ગ્રા. બીજદરે વાવેતર કરવું.ગુજરાત-ર જેવી મોટા દાણાંની જાત વાવવી હોય તો હેકટરે ૮૦ થી ૧૦૦ કિ.ગ્રા. બીજદર રાખવો. બિનપિયતમાં ચણા ૧૦ થી ૧૫ સે.મી. ઉંડા ભેજમાં પડે એ મુજબ વાવવા.પિયત ચણાની વાવણી ૪૫ સે.મી.નું અંતર બે હાર વચ્ચે રાખીને કરવી.
વાવણી વખતે બીજને રાઈઝોબિયમ તથા ફોસ્ફેટ કલ્ચરનો પટ આપવો.
જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર આપવું.
ગુજરાતમાં ચણા મુખ્યત્વે બિનપિયતમાં જ લેવાય છે. જયાં પિયતની સુવિધા હોય ત્યાં પિયત પાક લેવાય છે. આ માટે ઓરવાણ કરીને ચણા વાવ્યા બાદ પહેલું પાણી આપવું. બીજું પાણી ૨૦ થી ૨૫ દિવસે ડાળી ફૂટવાની સક્રિય અવસ્થાએ, ત્રીજું પાણી ૪૦ થી ૪૫ દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું પાણી ૬૫ થી ૭૦ દિવસે પોપટા બેસતી વખતે આપવું. જો બે જ પાણીની સગવડ હોય તો ફૂલ અને પોપટા અવસ્થાએ આપવાં. વધારે પાણી આપવાથી છોડ ખોટી વધ પકડીને મોડા પાકે છે. ક્ષારવાળુ પાણી અનુકૂળ નથી. ટપક પિયત પદ્ધતિ અપનાવવાથી પાણીની બચતની સાથે ઉત્પાદનમાં વધારો થાય છે.
જરૂર મુજબ આંતરખેડ અને નિંદામણથી ખેતર ચોખ્ખું રાખવું. આ રીત સૌથી ફાયદાકારક માલૂમ પડી છે
લીલી ઈયળના નિયંત્રણ માટે કડવી મેંદી અથવા મામેજવો અથવા રતનજયોત અથવા લીમડાના પાનનો અર્કના બે છંટકાવ જીવાતના ઉપદ્રવ જણાયે ૧૫ દિવસના અંતરે કરવા. હેકટરદીઠ ૫-૬ ફેરોમેન ટ્રેપ ગોઠવવાં. જૈવિક નિયંત્રણ માટે એન.પી.વી. (વાયરસ) દ્રાવણ હેકટરે ૨૫૦ ઈયળ આંક (એલઈ) પ્રમાણે અઠવાડીયાના અંતરે ચાર છંટકાવથી જીવાત કાબુમાં આવે છે. જીવાણુયુકત જંતુનાશક દવા બીટી પાવડર હેકટરદીઠ ૧.૫ થી ૨ કિ.ગ્રા.નો પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જૈવિક ફૂગ બીવેરીયા બાસીઆના ફૂગ ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી અઠવાડિયાનાં અંતરે છંટકાવ કરવા. છોડની વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થાએ, ૫૦% ફૂલ અવસ્થાએ અને ૫૦% દાણાં બેસવાની અવસ્થાએ નફ્ફટીઓ (નાલો) અથવા અરડુસી પાનનો અર્કના ત્રણ છંટકાવ કરવા. પ્રકાશ પીંજર ગોઠવવાં, ઊભા પાકમાં બેલાંખડાં લગાડવાથી પક્ષીઓ આવી ઇયળોનું ભક્ષણ કરાતા હોવાથી વસ્તીમાં ઘટાડો કરી શકાય છે.
જૈવિક ફૂગ બીવેરીયા બાસીઆના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી અઠવાડિયાનાં અંતરે છંટકાવ કરવા. મોલોને ખાઈ જતાં પરભક્ષી કીટક દાળીયાની વસ્તી વધારે હોય તો દવા છાંટવી નહીં, તેમજ શરૂઆતની અવસ્થામાં જ પરભક્ષી દાળીયા અન્ય જગ્યાએથી એકઠાં કરી ખેતરમાં છોડવા. મકાઈનું મિશ્ર વાવેતર કરવાથી પરભક્ષી દાળીયાની વસ્તી જળવાઈ રહે છે.
રોગ આવતો અટકાવવા માટે રોગ સામે પ્રતિકાર ધરાવતી જાતો જેવીકે ગુજરાત ચણા-૧ અને ગુજરાત જૂનાગઢ ચણા-૩ બિયારણ વાવવું.
દર વખતે એક જ જગ્યાએ ચણા ન વાવવા. બાજરી કે જુવારની પાક ફેરબદલી અને હેકટરે ૧૦૦૦ કિ.ગ્રા. દિવેલાનો ખોળ આપવાથી ફાયદો થાય છે. ટ્રાઈકોડર્માનો ઉપયોગ ફાયદાકારક છે.
સ્ટન્ટ એ વાયરસથી થતો રોગ છે. મોલો-મશીથી આ રોગ ફેલાતો હોવાથી તેને કાબુમાં રાખવી. બીજનો દર વધારે રાખવો.
પાકની ૮૦% પોપટા પાકી જાય ત્યારે બપોર પહેલાંના સમયમાં કાપણી કરવી. કાપણી કર્યા બાદ ખળામાં સૂકવવા. ચણા પૂરેપૂરા સૂકાઈ જાય ત્યારે થ્રેસરથી દાણાં છૂટાં પાડવા અને ઉપણીને કોઠારમાં સંગ્રહ કરવો.